પહેલીવાર ખોડલધામ મંદિરના સાંનિઘ્યમાં યોજાયા લગ્ન  • મહા સુદ પાંચમ એટલે વસંતપંચમી. વસંતપંચમીના દિવસે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાતા હોય છે. શેરીઓમાં, પાર્ટી પ્લોટમાં, કોમ્યુનિટી હોલમાં ઢોલ અને શરણાઈના સૂર સાંભળવા મળતા હોય છે. ત્યારે લગ્ન પ્રસંગનો આવો જ માહોલ જોવા મળ્યો કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે. લગ્ન પ્રસંગ હતો રાજકોટના નસીત પરિવાર અને ઉપલેટાના વેકરીયા પરિવારનો.


  • ખોડલધામ મંદિરે પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા પોતાના દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો. 30 જાન્યુઆરીને વસંતપંચમીના પવિત્ર દિવસે રાજકોટના નસીત પરિવારના પુત્ર હેપીન અને ઉપલેટાના વેકરીયા પરિવારની દીકરી હેપી મા ખોડલના સાનિધ્યમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. ખોડલધામ મંદિરના પરિસરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગથી સમગ્ર વાતાવરણ ઢોલ, શરણાઈ અને લગ્નગીતથી ગૂંજી ઉઠ્યું હતું.
  • શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં મા ખોડલના મંદિર ઉપરાંત લોકો લગ્નપ્રસંગ, સગાઈ, જન્મદિવસની ઉજવણી, કથા, ડાયરો જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી માતાજીની છત્રછાયામાં રહીને કરી શકે તે માટે ઓપન એર એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટનું નિર્માણ કર્યું છે. ત્યારે 21 જાન્યુઆરી 2015ના દિવસે યોજાયેલ ખોડલધામ સમૂહલગ્નોત્સવ બાદ ખોડલધામ મંદિર પરિસરમાં 30 જાન્યુઆરી 2020ને વસંતપંચમીના દિવસે પ્રથમ લગ્ન પ્રસંગ યોજાયો હતો.


  • ખોડલધામ મંદિર પરિસરમાં યોજાયેલા આ પ્રથમ લગ્નપ્રસંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ હાજર રહીને નવદંપતીને આશીર્વાદ અને પરિવારને શુભેચ્છા પાઠવી હતી. બન્ને પરિવારે રાજકોટ અને ઉપલેટા પોતાના ઘરનું આંગણું છોડીને ખોડલધામ મંદિરને પોતાનું અવસરનું આંગણું બનાવીને લગ્ન પ્રસંગ યોજ્યો તે બદલ નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે બન્ને પરિવારની આ અનુકરણીય પહેલને બિરદાવી હતી.


  • આ લગ્ન પ્રસંગમાં ભોજનથી લઈને મહેમાનોના સ્વાગત સહિતની વ્યવસ્થા સચવાઈ રહે તે માટે નસીત અને વેકરીયા પરિવારની સાથે સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી હતી. ભવિષ્યમાં વધુને વધુ પરિવારો દ્વારા ખોડલધામ મંદિરના પરિસરમાં આવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે તેવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે અપીલ કરી છે.

Post a comment

0 Comments