ઓઈલ કંપનીઓએ પ્રજાસત્તાક પર્વના દિવસે ઉપભોક્તાઓને મોટી રાહત આપી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં રવિવારે ફરી મોટો ઘટાડો થયો છે. એક પખવાડિયામાં પેટ્રોલના ભાવમાં બે રૂપિયા પ્રતિલિટરથી વધારેનો કાપ મુકાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આવેલા ઘટાડા બાદ પેટ્રોલ ડિઝલના ભાવ ઘટી શકે છે. તેલ કંપનીઓએ રવિવારે ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

રવિવારે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 30 પૈસા, કોલકત્તામાં અને મુંબઈમાં 29 પૈસા જ્યારે ચેન્નઈમાં 32 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમત દિલ્હીમાં અને કોલકત્તામાં 35 પૈસા જ્યારે મુંબઈમાં 37 પૈસા અને ચૈન્નઈમાં 38 પૈસા પ્રતિ લીટર ઘટી છે. આ મહિને પેટ્રોલ-ડિઝલના ભાવમાં આ સૌથી મોટી એક દિવસનો ઘટાડો છે.

ચીનમાં કોરોના વાયરસના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડીયે સતત ચાર દિવસો સુધી કાચા તેલના ભાવ પર અસર પડી અને આ ચાર દિવસોમાં બેંચમાર્ક બ્રેંટ ક્રૂડનો ભાવ લગભગ પાંચ ડોલર પ્રતિબેરલ તૂટી ચુક્યો છે. ચીન દુનિયામાં કાચા તેલનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે, જ્યાં કોરોના વાયરસના લીધે ઘણાં શહેરોના જાહેર પરિવહન બંધ કરી દેવામાં આવ્યા છે.