શા માટે શુભ ગણાય છે ધનતેરસ પર ચાંદીની ખરીદી


ધનતેરસના દિવસે ધનવંતરી દેવની પૂજા કરવામાં આવે છે. તેઓ આયુર્વેદના આચાર્ય હોવાનું પણ કહેવાય છે. તેઓ દેવતાઓના વૈદ્ય છે.

ધનવંતરી દેવ લક્ષ્‍મીજીના ભાઈ હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત ધનતેરના દિવસે ચાંદીના પાત્ર ખરીદવાની પરંપરા પણ છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા તેમાંથી એક ધનવંતરી પણ છે.

સમુદ્ર મંથન દરમિયાન 13 રત્નો બાદ કારતક માસની તેરસના દિવસે 14માં રત્ન તરીકે ધનવંતરી સામે આવ્યા. તેઓ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ધનવંતરી પ્રગટ થયા કે દેવો અને દાનવો વચ્ચે અમૃત માટે યુદ્ધ શરૂ થઈ ગયું. પરંતુ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી અમૃત કળશ પ્રાપ્ત કરી લીધો.

શા માટે થાય છે ધનવંતરીની પૂજા

ધનવંતરી અમૃત એટલે કે જીવનનું વરદાન લઈ પ્રગટ થયા હતા. આયુર્વેદના જાણકાર પણ તેમને આરોગ્યના દેવતા માને છે. આમ તો ધન અને સમૃદ્ધિના દેવી લક્ષ્‍મીજી છે પરંતુ તેમની કૃપા પ્રાપ્ત કરવા અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ માટે ધનવંતરીની પૂજા પણ ધનતેરસના દિવસે કરવામાં આવે છે.

વાસણ કે ચાંદી ખરીદવાની પ્રથા

તેરસના દિવસે ભગવાન ધનવંતરી કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી આ તિથિ પર વાસણ કે ચાંદીના પાત્ર ખરીદવાની પરંપરા છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે તમે જે ખરીદી કરો તેમાં 13 ગણી વૃદ્ધિ થાય છે.

આ ઉપરાંત ચાંદી ચંદ્રનું પ્રતીક છે, તે શીતલતા પ્રદાન કરે છે. તે સ્વાસ્થ્યકારક પણ છે. ચંદ્રના પ્રભાવથી મનમાં સંતોષનો વાસ થાય છે અને તેનાથી કીમતી કોઈ ધન નથી. તેથી આ દિવસે ચાંદી ખદીરી ઘરમાં રાખવામાં આવે છે.

Post a comment

0 Comments