રજનીગંધા ખાવાથી કેન્સર અને હાર્ટએટેકની શક્યતા, ગુજરાતમાં પ્રતિબંધ કેમ નહીં?


રજનીગંધા સહિત 12 જેટલા પાનમસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટ અને 7માં નિકોટિનની માત્રા મળી આવતા બિહાર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ ગુજરાતમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તેની ઉપર પ્રતિબંધ કેમ નથી લગાવતું.

હાલમાં જ નેશનલ ટોબેકો ટેસ્ટિંગ લેબોરેટરી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રીસર્ચને મોકલાયેલા સેમ્પલમાંથી ચોંકાવાનારો ખુલાસો થયો છે કે રજનીગંધા સહિત બીજી સાત પાન મસાલામાં નિકોટિન આવે છે જેનાથી કેન્સર થવાની શક્યતા છે.


બીજી બ્રાન્ડ્સમાં સુપ્રીમ, કમલા પંસદ, રાજશ્રી રોનક, સિગ્નેચર અને મધુનો સમાવેશ થાય છે. બિહાર સરકારે આ તમામ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અગાઉ ઓગસ્ટમાં 12 જેટલી બ્રાન્ડમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવતા તેમની ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો જેમં રાજનિવાસ, સુપ્રીમ પાનપરાગ અને પાનપરાગનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડોમાંથી મોટાભાગની બ્રાન્ડ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઇ રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઇ પગલા લીધા હોય તેવું દેખાતું નથી.


બિહારમાં પણ ભાજપની ગઠબંધનની સરકાર છે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. તો જો બિહારમાં પગલા લેવાતા હોય તો ગુજરાતમાં કેમ નહીં.


સૂત્રો જણાવે છે કે 4 વર્ષ અગાઉ મહારાષ્ટ્રમાં પણ રજનીગંધામાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવતા તેની ઉપર પગલા લેવાયા હતા. આમ, આપણું પાડોશી રાજ્ય હોય તે પછી દૂરનું બિહાર બન્ને જગ્યાએ પગલા લેવાયા છે. જાણકારો કહે છે કે મેગ્નેશિયમ કાર્બોનેટથી પણ કેન્સર થવાનો ખતરો છે અને નિકોટિન તો કેન્સરકારક છે જ.


બિહારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યોની લેબોરેટરીઓ આ પાનમસાલામાં આવતા હાનિકારક પદાર્થો પકડવા સક્ષમ ન હોવાથી તેમને કેન્દ્ર ની હેલ્થ મિનિસ્ટ્રીની લેબોરેટરીમાં સેમ્પલ મોકલ્યા હતા જેનાથી કંપનીઓની આ ગુનાહિત ચાલાકી બહાર આવી હતી. શું ગુજરાત સરકાર પણ આવું કરવાની હિંમત બતાવશે ખરી કે પછી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ ખુલ્લેઆમ વેપાર કરતી રહેશે.

Post a comment

0 Comments