કોઈ ખરાબ આદત ન હોવા છતાં અચાનક ગંભીર રોગ કેમ થાય?, જાણો


શરીરમાં કશુંક અજુગતું લાગે અને મેડિકલ તપાસ કરાવો તો ખબર પડે કે કેન્સર છે! સાંભળતાં મોટેભાગે આૃર્ય થાય. અચાનક કેન્સર શી રીતે થઈ ગયું! જીવન અનિયમિત હોય, ખાવા-પીવાનું બેફામ હોય, શોખ પણ બેફામ હોય ત્યારે તો જાણે કે કેન્સર થવાની ઘટનાને એની સાથે જોડી દેવાય છે.

 તમે જો નિયમિત જીવ્યા હોત, ધૂમ્રપાન ન કર્યું હોત, દારૂ ન પીધો હોત, જીવન નિયમિત રાખ્યું હોત, પૌષ્ટિક આહાર લેવાનું રાખ્યું હોત તો કેન્સર ન થયું હોત. કેન્સર તો ઉદાહરણ છે, કોઈપણ ગંભીર માંદગીની જાણ થાય ત્યારે આવી જ વાતો ચાલે છે. આવાં જ તારણો કાઢવામાં આવે છે.


મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં એક પાત્ર ઝહીરનું બતાવ્યું છે, એમ કોઈ માણસ તદ્દન નિયમિત જીવન જીવતો હોય, જરાય આડાઅવળા શોખ કે આદતો ન ધરાવતો હોય એને કેન્સર કે કોઈ ગંભીર માંદગી હોવાનું નિદાન થાય તો માણસ લાજવાબ થઈ જાય છે. શું કહેવું? પછી બધા નસીબની બલિહારીની વાતો કરીએ છીએ.

નવાઈ બધાને લાગે છે, જેણે કોઈ દિવસ દારૂનો છાંટોય લીધો નથી, કદી સિગારેટનો એક કશ પણ લીધો નથી. રાત્રે ૯-૩૦ કલાકે સૂઈ જવાનો નિયમ સવારે છ વાગ્યે મંદિરે દર્શન કરવા જેટલી જ ધાર્મિકતાથી પાળ્યો છે. જમવામાં ચોક્કસ વાનગીઓ જ ખાવાનો નિયમ પાળ્યો છે. એને કેન્સર (કે કોઈપણ મહારોગ) શી રીતે થઈ ગયો હશે! શા કારણે થઈ ગયો હશે?


એનો જવાબ આપણા ખોરાકમાં હોય એવી શંકા પુરવાર કરતી એક ઘટના તાજેતરમાં બહાર આવી. ઘટના દૂધમાં ગરબડની છે. દૂધમાં પાણીની ભેળસેળ તો નિર્દોષ ભ્રષ્ટાચાર હતો, હવે વિવિધ રસાયણોથી નકલી દૂધ બનાવવામાં આવે છે. નકલી દૂધ બનાવનાર નાના-મોટા એકમો પકડાયાની ઘટનાઓ પણ જૂની થઈ ગઈ છે. નવી વાત એ છે કે ભેળસેળિયાઓ બધું દૂધ ભેળસેળવાળું કરીને જ વેચવા મૂકે છે! આપણે એમાં સંતોષ માત્ર એટલો માણી શકીએ કે આ ઘટના ગુજરાતની નથી.


વાત મધ્યપ્રદેશના મોરૈના જિલ્લાના અમ્બાહ નગરની છે. અહીં વન ખંડેશ્વરી ચિલિંગ પ્લાન્ટ છે. મોટી મોટી ડેરીઓનું તમામ દૂધ અહીં ૧ ડીગ્રી તાપમાને સંઘરવામાં આવે છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(એસટીએફ)ને બાતમી મળી હતી કે અહીં મોટાપાયે નકલી દૂધ બનાવવામાં આવે છે. એસટીએફના માણસો દૂધિયા (દૂધવાળા) બનીને ચિલિંગ પ્લાન્ટ આસપાસ ગોઠવાઈ ગયા. પછી હિસાબ રાખવા માંડયો કે ચિલિંગ પ્લાન્ટમાં કેટલું દૂધ આવે છે અને કેટલું દૂધ પાછું બહાર જાય છે.


ચોકસાઈથી ગણતરી કરી તો ખ્યાલ આવ્યો કે માનો કે ૧૦ લાખ લિટર દૂધ આવ્યું હોય તો પાછું બહાર ૧૫ લાખ લિટર દૂધ લઈ જવામાં આવે છે. તરત જ રેઈડ કરવામાં આવી. પ્લાન્ટમાં સેંકડો કિલોગ્રામ રસાયણો, ચૂનો, જાતજાતનાં તેલ અને ડિટરજન્ટ પાઉડરનો જથ્થો ઝડપાઈ ગયો. ઉલટતપાસમાં જાણવા મળ્યું કે રોજનું હજારો લિટર નકલી દૂધ બનાવીને અસલીમાં ભેળસેળ કરી દેવામાં આવતું હતું. એ દૂધ અહીંથી જેતે ડેરીના પેકેજિંગ પ્લાન્ટમાં જતું હતું. પછી રાજ્યનાં મોટાં શહેરોમાં એ દૂધ વેચવા માટે વિતરણ થઈ જતું હતું. પછી તો ગ્વાલિયર અને ચંબલ ક્ષેત્રના સેંકડો ચિલિંગ પ્લાન્ટ્સ પર એકસાથે રેઈડ કરવામાં આવી તો દરેક જગ્યાએ આ કૌભાંડ ચાલતું પકડાયું.

જાણવા મળ્યું કે અસલી દૂધમાં પાણી સાથે વિવિધ રસાયણો ઉપરાંત સાબુ અથવા શેમ્પૂ અને રિફાઈન્ડ ઓઈલની ભેળસેળ કરવાથી ૧૦૦ લિટર દૂધમાંથી ૧૫૦ લિટર દૂધ બની જાય છે. આ દૂધ તપાસવા માટે લેક્ટોમીટર વપરાય છે. એમાં નકલી દૂધ અસલી સાબિત થઈ નીકળી જાય છે. આ ગોરખધંધો મધ્યપ્રદેશના સખ્યાબંધ જિલ્લાઓમાં ચાલતો હોવાનું જાણવા મળ્યું.


કેન્દ્રના વિજ્ઞાન અને ઔદ્યોગિક ખાતાના એક અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે કે આખા દેશમાં જે દૂધ વેચાઈ રહ્યું છે એમાંથી ૬૮.૭ ટકા દૂધ નકલી એટલે કે સિન્થેટિક દૂધની ભેળસસેળવાળું હોય છે. નકલી દૂધનો ધંધો એટલા માટે ધમધમે છે કે આજે આપણા દેશમાં વ્યક્તિ દીઠ દૂધની જરૂરિયાત રોજના ૪૮૦ ગ્રામની છે. એની સામે રોજ દરેક વ્યક્તિને ૩૭૫ ગ્રામ મળી રહે એટલું જ દૂધનું ઉત્પાદન થાય છે. દેશની વસતી પ્રમાણે હિસાબ માંડીએ તો રોજ ૧૪ કરોડ લિટર દૂધની ઘટ પડે છે. એ ઘટ પૂરવા માટે નકલી દૂધ બનાવનારા મેદાનમાં આવી જાય છે. તહેવારોના દિવસોમાં તો આ જરૂરિયાત દોઢ ગણી થઈ જાય છે.

એટલે તહેવારોના દિવસોમાં ચિલિંગ પ્લાન્ટ્સમાં જ નહીં, નાના-મોટા લેવલે નાના-મોટા લાખ્ખો ભેળસેળિયા કામે લાગી જાય છે. એમાંથી હજારો પકડાઈ પણ જાય છે. આપણાં બાળકો અને આપણને પણ આ દૂધ ગેસ, એસિડિટી, અલ્સર, હોજરી કે લિવરનું કેન્સર વગેરે રોગના ભોગ બનાવી શકે. નકલી દૂધથી બચવાનો એક સાવ સરળ ઉપાય એ પણ છે કે આપણે રોજ ૧૫૦ ગ્રામ દૂધ ઓછું પીએ તો બજારમાં દૂધની ખોટ જ નહીં પડે, દૂધની ડિમાન્ડ જ નહીં રહે! તેથી નકલી દૂધ બનાવનારા લોકોએ આપોઆપ આ ધંધો છોડી દેવો પડશે.

જોખમી ભેળસેળની ઘટનાઓ માત્ર દૂધમાં નહીં, અનેક ખાદ્યપદાર્થોમાં થતી રહે છે. તો સ્વસ્થ રહેવા શું કરવું? જવાબ છે, પોતાનાં પશુ પાળીને દૂધ મેળવવું, પોતાના શાકભાજી જાતે જ કિચન ગાર્ડનમાં ઉગાડી લેવા! ફળ અને અનાજ પણ જાતે જ ઉગાડવા હોય તો આપણે સહકારી ધોરણે ખેતી જ ચાલુ કરવી. ખાતરીદાયક શુદ્ધ ખોરાકની સાથે શુદ્ધ હવા અને પાણી પણ મેળવવાં હોય તો શહેર નજીકનાં નાનાં ગામોમાં જઈને વસવું!

Post a comment

0 Comments