ભારતમાં આવેલા ભગવાન શ્રી ગણેશજીના સુપ્રસિદ્ધ 10 મંદિર વિષે જાણો


આપણા દેશમાં ભગવાન ગણેશના અનેક મંદિર આવેલા છે. દરેક મંદિરની અલગ અલગ માન્યતા પણ છે. આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે ત્યારે આજે જાણો ભારતના 10 મુખ્ય ગણેશ મંદિરો વિશે. આ મંદિરો વિશે માનવામાં આવે છે કે અહીં દર્શન કરવા માત્રથી મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે.

1. સિદ્ધિ વિનાયક

ભગવાન ગણેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક છે સિદ્ધિ વિનાયક મંદિર. માન્યતા અનુસાર આ મંદિર નિસંતાન મહિલાની આસ્થા પર બનાવડાવામાં આવ્યું છે. અહીં લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. આ મંદિર મુંબઈમાં આવેલું છે.

2. દગડુ શેઠ હલવાઈ ગણપતિ


શ્રીમંત દગડુ શેઠ હલવાઈ મંદિર બીજા ક્રમે આવતું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર મહારાષ્ટ્રના પુણેમાં આવેલું છે. અહીં પણ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. આ મંદિરનું નિર્ણાણ દગડુ શેઠ નામના એક હલવાઈએ કર્યું હતું જ્યારે તેના દીકરાનું મૃત્યુ પ્લેગના કારણે થયું હતું.

3. વિનાયક મંદિર

આંદ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આ મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે અહીં આવતા શ્રદ્ધાળુ પોતાના પાપનો નાશ થાય તે માટે અહીં આવેલા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને પછી જ ભગવાન ગણેશના દર્શન કરે છે.

4. મનકુલા વિનાયક મંદિર

આ મંદિર પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરનું નિર્માણ 1666 વર્ષ પહેલા થયું હતું. જ્યારે પોંડીચેરી ફ્રાંસને આધીન હતું. આ મંદિર વિશે કહેવાય છે કે અહીં સ્થિત ભગવાન ગણેશની પ્રતિમાને અનેકવાર સમુદ્રમાં ફેંકી દેવામાં આવી હતી. પરંતુ તે પ્રતિમા ફરી તેના સ્થાને પહોંચી જતી. અહીં ગણેશ ચતુર્થી ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

5. મધુર મહાગણપતિ મંદિર

આ મંદિર કેરળમાં આવેલું છે. 10મી સદીમાં આ મંદિર બનાવાયું હતું. આ મંદિર મધુવાહિની નદી કિનારે આવેલું છે. અહીંની ગણેશજીની મૂર્તિ વિશે કહેવાય છે કે તે અલગ પ્રકારના તત્વથી બનેલી છે. તે ન તો માટી છે ન કોઈ પથ્થર. અહીં ગણેશજી ઉપરાંત ભગવાન શિવની પણ મૂર્તિ સ્થાપિત છે.

6. ત્રિનેત્ર ગણેશ

રણથંભૌર ગણેશ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના મુખ્યાલયથી 13 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર 1 હજાર વર્ષ જૂનું છે. તે રણથંભૌરના કિલામાં સૌથી ઊંચાઈ પર બનેલું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને ગણેશજી ત્રિનેત્ર સ્વરૂપે દર્શન આપે છે.

7. મોતી ડૂંગરી ગણેશ

રાજસ્થાનના જયપુરમાં અનેક ગણેશ મંદિર છે. પરંતુ તેમાં સૌથી પ્રાચીન ગણેશ મંદિરોમાંથી એક છે મોતી ડૂંગરી મંદિર. આ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનું નિર્માણ સેઠ જય રામ પાલીવાલએ 18મી સદીમાં કર્યું હતું.

8. ગણેશ ટોક

ગણેશ ટોક મંદિર ગંગટોકના પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળમાંથી એક છે. આ મંદિરની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે તેવી છે અને આ મંદિર પ્રત્યે પણ લોકોની આસ્થા જોડાયેલી છે.

9. ગણપતિપુલે મંદિર


ગણપતિપુલે મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં રત્નાગિરિમાં આવેલું છે. અહીં ભગવાનની મૂર્તિ ઉત્તર દિશામાં નહીં પરંતુ પશ્ચિમ તરફ છે. માન્યતા છે કે ભગવાન ગણેશની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ છે.

10. ઉચ્ચી પિલ્લયાર

ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે ઉચ્ચી પિલ્લયાર મંદિર તમિલનાડુના તિરુચિરાપલ્લી નામના સ્થાન પર રોક ફોર્ટ પર આવેલું છે. માન્યતા છે કે આ મંદિર રાવણના ભાઈ વિભીષણ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે વિભીષણએ એકવાર ભગવાન ગણેશ પર વાર કર્યો હતો.

Post a comment

0 Comments