સુરતમાં તાપી બે કાંઠે, ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દૂર


ગુજરાતની બીજી સૌથી માટી નદી તાપી પણ હાલ બે કાંઠે જોવા મળી રહી છે. સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે જોવામાં આવતા તંત્ર એલર્ટ પર આવી ગયું છે, તો સુરતવાસીઓનાં જીવ પડીકે બંધાયા હોવાનુું સામે આવી રહ્યું છે. તાપી નદી પરનાં સૌથી મોટા ડેમ ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થતા ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી છોડાયું હોવાનાં કારણે તાપી નદીનાં જળસ્તરમાં અચાનક જ ધરખમ વધારો નોંધવામાં આવી રહ્યો છે.


આપને જણાવી દઇએ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં 1.60 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે ઉકાઈ ડેમની જળસપાટી 337.30 ફૂટ પર પહોંચી ગઇ છે.


345 ફૂટની જળસપાટીએ ઉકાઇ ડેમની ભયજનક સપાટી આંકવામાં આવતી હોવાથી હાલ પાણીની સપાટી ડેમની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દૂર છે. જે એક દિવસમાં ભય જનક સપાટીને અડકી જશે તેવો તંત્ર દ્વારા અંદાજ માંડવામાં આવી રહ્યો છે. તો સાથે સુરત શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સુરતવાસીઓએ તાપીનાં પાણીનો કહેર પહેલા પણ અનેક વખત જોયો હોય તમામનાં જીવ પડીકે બંધાઇ ગયા છે.


Post a comment

0 Comments